સુરસાગર ડેરી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,'વૃક્ષો વાવો, જીવન બચાવો'નો સંકલ્પ

0
સુરેન્દ્રનગર, ૫ જૂન: પર્યાવરણ સુરક્ષા અને જનજાગૃતિના ઉમદા હેતુ સાથે દર વર્ષે ૫મી જૂન "વિશ્વ પર્યાવરણ દિન" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર સ્થિત સુર સાગર ડેરી દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૯૭૨માં સ્ટોકહોમ ખાતે યોજાયેલી વિશ્વ પરિષદમાં પર્યાવરણ જાળવણી માટે લીધેલા સંકલ્પના પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પર્યાવરણ સુરક્ષાના કાર્યોમાં સહભાગી બનાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દર વર્ષે પર્યાવરણ દિવસ માટે એક વિષય અને સૂત્ર નક્કી કરે છે, જે પર્યાવરણીય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ ભારતમાં સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો, જેમણે વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો પોતાના શિલાલેખોમાં અંકિત કરાવ્યા હતા, જે આજે પણ પ્રકૃતિના મહત્ત્વને દર્શાવે છે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, હરિયાળી, શુદ્ધ હવા, પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટી, પશુઓ માટે ઘાસચારો, વનિલ ઉદ્યોગોને લાકડાનો જથ્થો અને રોજગારીની ઉપલબ્ધિ શક્ય બને છે.
આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને તેનાથી થતું નુકસાન અટકાવવું અત્યંત આવશ્યક છે. 'વધુ વૃક્ષો વાવો'ની ઝુંબેશ એ પર્યાવરણની સમસ્યાઓનો સામનો કરવા માટે એક અનિવાર્ય પગલું છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે.
સુર સાગર ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી જીવનને ટકાઉ બનાવવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ, પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી કોમલબેન, એમડીશ્રી ગુરુદતીસિંહ, અને મોટી સંખ્યામાં સુરસાગર ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા "વૃક્ષો વાવો, જીવન બચાવો" ના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top