સુરેન્દ્રનગર રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યાની સૂચના હેઠળ હથિયાર ધારા અંગેની ખાસ ડ્રાઇવ દરમિયાન સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે મોટી કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર હથિયાર સાથે જાહેરમાં પ્રદર્શન કરનાર એક યુવકને ઝડપી પાડી, તેની અને તેના સસરા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ઓ.જી. સ્ટાફના પી.સી. અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક લગ્ન પ્રસંગમાં હથિયાર સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વીડિયોમાં દેખાતા ઈસમની ઓળખ કરી તેને પકડી પાડ્યો હતો.
પકડાયેલ યુવકે પોતાનું નામ શાહરુખભાઈ રૂસ્તમભાઈ કોંઢીયા (મુ.માન), ઉંમર 28, ધંધો-વેપાર, રહે. સુડવેલ સોસાયટી, મસ્જિદની બાજુમાં, વઢવાણ, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા, વીડિયોમાં જે હથિયાર ધારણ કર્યું હતું તે તેના સસરા ઇમરાનભાઈ અબ્બાસભાઈ જરગેલા, રહે. ચુડા, ગુલાબનગર, તા. ચુડા વાળાનું હોવાનું કબૂલ્યું હતું.
આ મામલે, શાહરુખભાઈ કોંઢીયા અને તેના સસરા ઇમરાનભાઈ જરગેલા એમ બંને ઈસમો વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ 29(બી) અને 30 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. ટીમના પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એચ.સી. અનિરુદ્ધસિંહ અભેસંગભાઈ ખેર, એચ.સી. અશ્વિનભાઈ ઠારણભાઈ, પી.સી. અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા અને પી.સી. નિતિનભાઈ હરેશભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.