સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા (IPS) દ્વારા કડક સૂચનાઓ અપાઈ હતી. જેના પગલે, એલ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ટાફની ટીમોએ સઘન કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીના ભાગરૂપે, એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા પો.સ્ટે. વિસ્તારના કભારા ગામમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે કભારા ગામમાં રેડ કરી હતી.
રેડ દરમિયાન, GJ-11-AB-0111 નંબરની મહિન્દ્રા સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડીમાંથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના 1296 નંગ ચપલા, જેની કિંમત 1,29,600 થાય છે, તે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી 3,00,000ની કિંમતની સ્કોર્પિયો ગાડી અને ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કરાયો હતો. આમ, કુલ 4,34,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે કિશનભાઈ ધનશ્યામભાઈ રાઠોડ (રહે. પોપટપરા, ચોટીલા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) નામના એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે અજયભાઈ શેખ (રહે. ભીમગઢ, તા. ચોટીલા) નામનો અન્ય એક આરોપી સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે, જેની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સપેક્ટર જે.જે. જાડેજા, પો. સબ. ઈન્સ. જે.વાય. પઠાણ, પો. કોન્સ. કુલદીપભાઈ બોરીયા, પો. કોન્સ. વજાભાઈ સાનિયા, અને પેરોલ ફર્લો સ્ક્વોડના પો. હેડ કોન્સ. વિજયસિંહ પરમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.