દાણાવાડા ગામના ગણપતી ફાટસર વિસ્તારમાં રહેતા અને દર્શન વિદ્યાલય, રતનપરમાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા પરમાર તીર્થકુમાર વિજયભાઇએ દાર્જિલિંગ ખાતે યોજાયેલી નેશનલ કરાટે કોમ્પીટીશનમાં અદભૂત પ્રદર્શન કરી ત્રીજો ક્રમાંક (બ્રોન્ઝ મેડલ) હાંસલ કર્યો છે. આ સિદ્ધિ બદલ તીર્થકુમારે પોતાના ગામ દાણાવાડા અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વાડો કાય કરાટે એકેડેમી સુરેન્દ્રનગરમાં સઘન તાલીમ લઈ રહેલા તીર્થકુમારે અગાઉ ડિસ્ટ્રીક્ટ કોમ્પીટીશન અને સૌરાષ્ટ્ર ઝોન કોમ્પીટીશનમાં પણ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. હવે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને તેણે પોતાના સખત પરિશ્રમ, અડગ મનોબળ અને કોચના ઉત્તમ માર્ગદર્શનને સાર્થક કર્યું છે. તીર્થકુમારની આ પ્રેરણાદાયક સિદ્ધિ યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.