સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામના નવા તળાવ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનું મોટું કટિંગ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.1,61,08,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમને માહિતી મળી હતી કે વાંટાવચ્છ ગામના નવા તળાવ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે પંજાબથી દારૂ ભરીને આવેલા ટ્રકના ચાલક રિતેશ ધર્મપ્રક્ષ ડાગર (રહે. છપ્પર, જિલ્લો ઝજ્જર, હરિયાણા) અને ક્લીનર પંકજ કૃણાલસિંહ ડાગરની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાં રહેલા 285 ઘઉંના ચારાની થેલીઓની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 10,363 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1,19,59,900 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે રૂ. 40,00,000ની કિંમતના ત્રણ વાહનો અને બે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 6,500 પણ જપ્ત કર્યા છે. આમ, પોલીસે કુલ રૂ.1,61,08,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ કેસમાં જથ્થો મંગાવનાર અને કટિંગ કરનાર મુખ્ય આરોપી સુદામડાના દેવેન્દ્ર ઉર્ફે ડેંડો ભરત બોરીચા, દશરથસિંહ ચંદુભા ઝાલા, પાયલોટિંગ કરનાર છત્રપાલ ઉર્ફે સત્તુ દરબાર તેમજ ફરાર પીકઅપ ગાડીનો ડ્રાઈવર, માલિક, ટ્રકનો માલિક, ફરાર કાચચાલક, બે અજાણ્યા શખસો, કારનો ડ્રાઈવર, ત્રણ અજાણ્યા વ્યક્તિઓ, થાર કારચાલક, બે અજાણ્યા શખસો, કારનો માલિક, થાર કારના માલિક, દસ અજાણ્યા વ્યક્તિઓ, ટ્રક આપનાર સોની (પંજાબ ખાતે) અને મુખ્ય સપ્લાયર સોનુ શેઠ સહિતના શખસો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.