સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે બાતમીના આધારે પીપળી ગામના આશ્રમ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક સ્વિફ્ટ કારને ઝડપી પાડી છે. પોલીસે વોચ ગોઠવી કારને રોકતાં ચાલક નાસી છૂટવાનો પ્રયાસ કરતાં પકડાઈ ગયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 3.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, બજાણા પોલીસને બાતમી મળી હતી કે પીપળી ગામના આશ્રમ પાસેથી એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી. જ્યારે પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કારચાલક નાસી છૂટવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મોરબીના નઝીર રહીમ સંધી તરીકે થઈ છે.
પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 130 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 67,250 છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. 3 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ રૂ. 3.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો પીપળીના ઇમરાનખાન મલેકે ભરી આપ્યો હતો, જે હાલમાં ફરાર છે. બજાણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં ફરાર આરોપી ઇમરાનખાનને પકડવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પીઆઇ એમ.બી.બામ્બા દ્વારા કરવામાં આવી રહી છે.