બ્લેક આઉટમાં જોડાવવા વહીવટી તંત્રની અપીલ
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આવતીકાલે ૩૧ મેના રોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેર ખાતે મોકડ્રીલ વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. ઉપરાંત સરકારના નિર્દેશ અનુસાર બંને સ્થળો ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ત્યારે બ્લેકઆઉટ-અંધારપટમાં સુરેન્દ્રનગર શહેરી અને ધ્રાંગધ્રાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓપરેશન શિલ્ડમાં સહભાગિતા દાખવી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા ખાતે મોકડ્રીલ વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.