ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત કાર્યવાહી: અભેપરમાંથી સવા કરોડનો ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દામાલ જપ્ત
આજ તારીખ ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ બપોરના આશરે ૨:૪૫ કલાકે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી.મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના અભેપર ગામના તળાવ તરીકે ઓળખાતા સરકારી સર્વે નંબર ૪, ૧૧૪ અને ૧૧૫ વાળી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર સફેદ માટીના મોટા પાયે ખોદકામનો પર્દાફાશ કર્યો છે.
સ્થળ પરથી ટીમ દ્વારા એક જેસીબી, એક ડમ્પર, એક ટ્રેક્ટર (ટ્રોલી સાથે) અને બે બાઈક મળીને કુલ રૂ. ૧,૨૫,૦૦,૦૦૦/- (એક કરોડ પચીસ લાખ) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવી છે, જેમના નામ નીચે મુજબ છે.
(૧) ઘુઘાભાઇ મોહનભાઈ સોલંકી, રહે. જેજરીયા, તા. થાનગઢ
(૨) ગોપાલભાઈ ઘુઘાભાઇ સોલંકી, રહે. જેજરીયા, તા. થાનગઢ
(૩) ગોબરભાઇ વાઘાભાઈ કોળી, રહે. સોનગઢ, તા. થાનગઢ
(૪) મહેશભાઈ ખમાભાઈ કોળી, રહે. અમરાપર, તા. થાનગઢ
માપણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, ઉપરોક્ત તમામ વ્યક્તિઓ પાસેથી "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017" ના નિયમ ૨૧(૩) હેઠળ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં, આ ચારેય વ્યક્તિઓએ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કર્યું હોવાથી તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોનો એક ભાગ છે.