ગરમીમાં કેરીની મીઠાશ: જૂનાગઢ, ગીરથી સુરેન્દ્રનગરના બજારોમાં કેરીની ભરમાર:૪૪ ડિગ્રી તાપમાં કેરીની માંગ: બહારના જિલ્લાઓથી આવક, ભાવમાં વધારો
સુરેન્દ્રનગર: જિલ્લામાં આકરી ગરમી વચ્ચે લોકો ઠંડક મેળવવા કુદરતી પ્રવાહી અને ફળો તરફ વળ્યા છે. જેમાં ફળોના રાજા ગણાતી કેરીની માંગ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ જોવા મળી રહી છે. હાલ શહેરના રસ્તાઓ પર ઠેરઠેર વેપારીઓ કેરીનું વેચાણ કરતા નજરે પડે છે.
ચાલુ માસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ગરમીમાં રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર અને વઢવાણ જેવા વિસ્તારોમાં વેપારીઓ તંબુ અને દુકાનોમાં કેસર, રત્નાગીરી, હાફુસ, બદામ, લાલબતી, તોતા અને લંગડો જેવી વિવિધ જાતની કેરીઓ વેચી રહ્યા છે.
કેરીના વેપારી ભુરાભાઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ૧૦ કિલોના બોક્સનો ભાવ રૂ. ૧૫૦૦ થી ૨૦૦૦ ની વચ્ચે હતો, જે આ વર્ષે વધીને રૂ. ૧૮૦૦ થી ૨૫૦૦ સુધી પહોંચ્યો છે. છૂટક બજારમાં પણ ગત વર્ષે કેરીનો ભાવ રૂ. ૧૫૦ થી ૨૫૦ પ્રતિ કિલો હતો, જે આ વર્ષે રૂ. ૨૦૦ થી ૨૫૦ પ્રતિ કિલો સુધી જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં કેરીનું ઉત્પાદન ન થતું હોવાથી, વેપારીઓ વલસાડ, ગીરગઢડા અને જૂનાગઢ જેવા વિસ્તારોમાંથી કેસર અને હાફુસ જેવી ઉત્તમ જાતની કેરીઓ મંગાવે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કેરીની આવક શરૂ થઈ જાય છે, જે સુરેન્દ્રનગરના લોકોની કેરીની માંગને પૂરી કરે છે. આમ, મોંઘી હોવા છતાં સુરેન્દ્રનગરના લોકો ગરમીમાં કેરીની મીઠાશ માણી રહ્યા છે.