રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે આયોજિત બે દિવસીય “ચોટીલા ઉત્સવ”નું રંગેચંગે સમાપન થયું હતું.
આ કાર્યક્રમમાં બીજા દિવસે હિતેશ બારોટ સાયલા દ્વારા લોકસંગીતની રસાળ શૈલીમાં પ્રસ્તુત કરી લોકોને ઝુમાવ્યા હતા. દ્વારકેશ ગોપાલક ગ્રુપ પાટણની માલધારી બહેનો દ્વારા બેડા રાસની અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બારડોલીનાં ત્વિષા વ્યાસ દ્વારા ચંડમુંડ સંહાર નૃત્ય નાટિકાની અદભુત રજૂઆત કરી હતી. આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ તાપી દ્વારા ગામીત ઢોલ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. તેમજ અઘોરી મ્યુઝિક અમદાવાદ દ્વારા ફોક હીપહોપ મ્યુઝિકનાં તાલે લોકોને ડોલાવ્યા હતા.
બે દિવસીય આ ભવ્યાતિભવ્ય ઉત્સવ દરમિયાન ગુજરાતની પરંપરાગત લોકસંસ્કૃતિ અને કલા વારસોને ઉજાગર કરવામાં આવ્યો હતો. રાજ્યનાં જુદાજુદા જિલ્લામાંથી અનેક કલાકારોએ સહભાગી થઈ પોતાની કલાની અદભુત પ્રસ્તુતિ થકી લોકોને ભાવવિભોર કર્યા હતા. કાર્યક્રમનાં અંતે યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન અને આભારવિધિ કરવામાં આવી હતી.
આ તકે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, ચોટીલાધામનાં મહંત શ્રી લાલબાપુ તેમજ જીજ્ઞેશ બાપુ, ચોટીલા નાયબ કલેકટર શ્રી એચ.ટી.મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા, મુળી મામલતદાર શ્રી આર.ડી. પટેલ, થાનગઢ મામલતદાર શ્રી એન. આર.પટેલ, સાંસ્કૃતિક કાર્યક્રમોનાં પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મમતા પંડિત, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી પ્રકાશસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.