સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ વઢવાણ લીંબડી રોડ, પેટ્રોલ પંપ સામે, કેરાળા, વઢવાણ ખાતે નિર્માણાધિન સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજયના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.૨૨.૨૮ કરોડના ખર્ચે નિર્માણાધિન આ જિલ્લા રમત સંકુલનું ખાતમુર્હત તા.૦૪/૦૩/૨૦૨૪ના રોજ મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ રમત સંકુલમાં વિવિધ ઈન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને આઉટડોર રમતોના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ડોર રમતો જેવી કે, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, શુટીંગ રેન્જ, વોલીબોલ, જીમ, યોગા, જુડો, ચેસ, ટેકવાન્ડો વગેરે તથા આઉટ ડોર રમતોમાં સિન્થેટીક ટેનિસ કોર્ટ, સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ખો-ખો, કબડ્ડી, ૪૦૦ મીટર મડી એથ્લેટીક્સ ટ્રેક, ફુટબોલ જેવી રમતના અદ્યતન સુવિધાયુક્ત મેદાન ઉપલબ્ધ થશે.