સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ-ચોટીલા રોડ પર ગુગલીયાણા ગામ નજીક આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાં જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે આકસ્મિક દરોડો પાડી 13.16 લાખની કિંમતનું નકલી ઘી જપ્ત કર્યું છે. આ કાર્યવાહીથી ભેળસેળખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુપ્ત રાહે મળેલી બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ સેફ્ટી ઓફિસરની સંયુક્ત ટીમે શિવ ઇન્ડસ્ટ્રીઝમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસણીમાં 520 કિલો લુઝ ઘી, શ્રીભોગ બ્રાન્ડના ઘીના 1950 પેક અને વિકાસ પેસ્ટ્યુરાઇઝ્ડ બટરના 65 બોક્સ સહિત કુલ 13.16 લાખનો અંદાજિત જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો નકલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા, અધિકારીઓએ સમગ્ર જથ્થાને જપ્ત કરી લીધો છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘીના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારે નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.