સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે લીંબડી રાજકોટ હાઈ-વે પર આવેલા એક ઢાબા પર દરોડો પાડીને ગેરકાયદેસર પોષ ડોડવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૧૪ કિલો ૫૯૫ ગ્રામ પોષ ડોડવા કિંમત રૂપિયા ૪૩,૭૮૫ તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૮,૭૮૫ નો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધવા માટે SOG પીઆઇ બી.એચ.શીંગરખીયા અને તેમની ટીમ કાર્યરત હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડીના રાજસ્થાની પંજાબી પવન ઢાબા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન બલવીરસિંહ રતનસિંહ રાવત (ઉ.વ.૫૫, રહે. હાલ લીંબડી, મૂળ રાજસ્થાન) નામના શખ્સના કબજામાંથી પોષ ડોડવાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ફતેહસિંહ ખેમરાજ નામના અન્ય એક આરોપીની સંડોવણી પણ ખુલવા પામી છે, જે હાલ હાજર મળી આવ્યો નથી.
પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી બલવીરસિંહ રાવત અને હાજર ન મળી આવેલ ફતેહસિંહ ખેમરાજ અગાઉ પણ અસલાલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલા હતા અને ત્યાં પણ તેઓ રાજસ્થાની પંજાબી પવન નામનો ઢાબો ચલાવતા હતા, જ્યાંથી પોષ ડોડવા મળી આવ્યા હતા.
આ સફળ કામગીરીમાં પીઆઇ બી.એચ. શીંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, પીએસઆઇ આર.જે.ગોહિલ અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લીંબડી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.