જપ્ત કર્યો : પાંચ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ
સુરેન્દ્રનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વસ્તડી ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી, દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. બુટભવાની પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે SMC ટીમે વસ્તડી ગામ પાસે, બુટભવાની પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. આથી વોચ દરમિયાન દારૂ ભરેલી એક ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ, ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ.1,61,26,053 (એક કરોડ એકસઠ લાખ છવીસ હજાર ત્રેપન રૂપિયા)થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે બે શખ્સોને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો જે હાજર મળી આવ્યા નહોતા. તેઓ સહિત કુલ પાંચ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.