સુરેન્દ્રનગર એલસીબીની મોટી કાર્યવાહી: ગેસ ટેન્કરમાં સંતાડેલો રૂપિયા ૧.૬૫ કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો

0
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (એલસીબી) અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વખતપરના પાટિયા પાસેથી એક મોટી સફળતા મેળવી છે. એલસીબીની ટીમે બાતમીના આધારે એક એલપીજી ગેસના ટેન્કરમાં બનાવેલા ચોરખાનામાંથી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહેલો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને કુલ રૂપિયા ૧,૬૫,૯૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાની સૂચનાથી જિલ્લામાં પ્રોહી અને જુગારની બદીને ડામવા માટે અલગ અલગ ટીમો બનાવીને હાઈવે પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. શીંગરખીયાને ચોક્કસ બાતમી મળતા તેમણે પોતાની ટીમ સાથે કાર્યવાહી કરી હતી.
એલસીબીની ટીમે વખતપરના પાટિયા પાસે એક ટાટા કંપનીના એલપીજી ગેસના ટેન્ક ટ્રકને અટકાવીને તપાસ કરતાં તેમાં ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ ૧૪,૮૨૦ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૧,૪૫,૬૨,૦૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ૨૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક (નંબર NL01.L9171), ૧૦ હજાર રૂપિયાનો એક મોબાઈલ ફોન અને રોકડા ૨૦ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે. પોલીસે ટ્રક પર ખોટી નંબર પ્લેટ (NL01.L9171) પણ લગાડેલી હોવાનું શોધી કાઢ્યું છે. આમ, પોલીસે કુલ રૂપિયા ૧,૬૫,૯૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ મામલે ટ્રક ચાલક થાનારામ દુર્ગારામ જાટ (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મુન્દ્રા (કચ્છ) ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. પોલીસે માલ મોકલનાર મુકેશ દેવાશી (રહે. રાજસ્થાન) અને પંજાબના બે અજાણ્યા શખ્સો કે જેમણે દારૂ ભરેલો ટ્રક આપ્યો હતો, તેમજ કચ્છના મુન્દ્રાના અજાણ્યા દારૂ મંગાવનાર અને ટ્રકના સાચા માલિક (જેના ટ્રકનો નંબર RI.19.GC 83361 છે) ને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. જે.વાય. પઠાણ અને તેમની ટીમના યશપાલસિંહ રાઠોડ, પરીક્ષીતસિંહ ઝાવા, કુલદીપભાઇ બોરીયા, પ્રતાપસિંહ રાઠોડ, મેહુલભાઇ મકવાણા અને પેરોલ ફર્લો સ્કોડના ભુપતસિંહ રાઠોડ તથા વિજયસિંહ બોટાણા દ્વારા કરવામાં આવી હતી. આ અંગે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top