સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે હેતુથી પોતાની નવી વેબસાઈટ "snmcgujarat.com" તા. ૦૧ મેં ૨૦૨૫ ના રોજ શરૂ કરી છે. મહાનગરપાલિકાની રચના બાદ શહેરીજનોને રોજબરોજની કામગીરીની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય અને વિવિધ સેવાઓ ઓનલાઈન મળી શકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
આ નવી વેબસાઈટ પર હાલમાં જન્મ અને મરણની નોંધણી, લગ્ન નોંધણી અને વિવિધ કરવેરા સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. મહાનગરપાલિકા ટૂંક સમયમાં વિવિધ મોડ્યુલ દ્વારા ઓનલાઈન અરજીઓ અને ટાઉન હોલ બુકિંગ જેવી સેવાઓ પણ શરૂ કરશે. આ ઉપરાંત, નાગરિકો પોતાની ફરિયાદો પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે, જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.હાલ કાર્યરત વેબસાઈટમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, ઝોન કચેરીઓ અને જન સેવા કેન્દ્રની માહિતી પણ આપવામાં આવી છે. વેબસાઈટને વધુ ઉપયોગી બનાવવા માટે જરૂરી સુધારાઓ હાલમાં ચાલી રહ્યા છે. આથી, શહેરના નાગરિકોને વેબસાઈટમાં કોઈપણ સુધારા અંગે સૂચનો અથવા રજૂઆત હોય તો તેઓ ict-snmc@gujarat.gov.in પર ઈ-મેઈલ દ્વારા જાણ કરી શકે છે. મહાનગરપાલિકાનો આ પ્રયાસ શહેરીજનો માટે માહિતી અને સેવાઓ મેળવવાનું વધુ સરળ બનાવશે. તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવાયું છે