“સુકન્યા સમૃદ્ધિ યોજના”માં જમા કરેલી બચત રાશી દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે:સરકારશ્રીની આવી પહેલો થકી દીકરીઓ સશક્ત બનીને સમાજનો પાયો મજબૂત બનાવશે:વર્તિકાબેન મકવાણા
“સુકન્યા સમૃદ્ધિ યોજના”ના બચત ખાતામાં જમા કરેલી બચત રાશી મારી દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ લાગણીભીના શબ્દો છે લીંબડી તાલુકાના પરનાળા ગામના વર્તિકાબેન મનોજકુમાર મકવાણાના. વર્તિકાબેન ઘરકામ કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે.
યોજના વિશેની જાણકારી અને તે અંગેની માહિતી આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમારા ગામમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આધારકાર્ડમાં સુધારા-વધારા, વ્હાલી દિકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવાસ યોજના જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પનો ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ વિવિધ યોજનાઓની જાણકારી મેળવી હતી. આ કેમ્પમાં હું મારી દીકરીના આધારકાર્ડમાં સુધારો કરાવવા માટે ગઈ હતી. જ્યાં અમને પોસ્ટ વિભાગ દ્વારા “સુકન્યા સમૃદ્ધિ યોજના”ની જાણકારી આપવામાં આવી હતી. આથી અમે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચતમ વ્યાજ આપતી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઘર આંગણે જ લાભ લીધો હતો. આ કેમ્પમાં જ યોજનાનું ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો જમા કરાવી મારી દીકરીના નામનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ ગામના પોસ્ટ માસ્ટર દ્વારા બેંકની પાસબુક પણ અમને ઘરે પહોંચાડવામાં આવી હતી.
આ યોજના થકી અમારી દિકરીના ભવિષ્ય માટે બચતની નવી દિશા મળી હોય તેવી અનુભૂતિ થાય છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજદિન સુધી અમે અમારી બચતની અનુકુળતા પ્રમાણે બચત કરી રહ્યા છીએ. પ્રસંગોપાત દિકરીને મળેલી ભેટ, શિષ્યવૃતિ વગેરે મળતી રકમ પણ અમે "સુકન્યા સમૃદ્ધી યોજના"ના બચત ખાતામાં જમા કરાવીએ છીએ. આમ આવી બધી નાની-નાની બચતો થકી અમે અમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવી બધી નાની-નાની બચતોનું અમે દીકરીના ભવિષ્યમાં રોકાણ કર્યું છે. આમ, સરકારશ્રીની આવી બધી પહેલો થકી દીકરીઓ સશક્ત બનીને સમાજનો પાયો મજબૂત બનાવશે.