સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ તેઓની સાવધાની અને સલામતી માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિકએ વર્ષાઋતુમાં તાલીમી માનવબળ, રેસ્ક્યુના સાધનોની ચકાસણી, તરવૈયાઓની યાદી, આપદા મિત્રોની યાદી સહિત વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો/ગામોની ઓળખ કરવા સાથે વીજ પુરવઠો જળવાઈ રહે તથા ભારે વરસાદમાં સ્થાનિકોને આશ્રય સ્થાને ખસેડવા લઈ જવા પડે, તો તે સ્થળે વીજળી-પાણી સહિતની નજીકની પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ અંગે પણ આગોતરા આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સુચનો કર્યા હતા.
ચોમાસાની ઋતુને ધ્યાને લઈને રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વૃક્ષ ટ્રીમીંગ, જર્જરિત મકાનો, હોર્ડિંગ્સ, બેનર ઉતારી લેવા, કેનાલ, નદી-નાળાની સાફ-સફાઈ, ડેમોની ચકાસણી, ફૂડ પેકેટ વ્યવસ્થા, આરોગ્ય, લાયઝન અધિકારીઓની નિમણુક, જરૂરિયાત મુજબ અનાજનો જથ્થો, સર્વેની કામગીરી માટે ટીમની રચના, કોઝવે અને નીચા પુલ ઉપર પાણીનું લેવલ દર્શાવતું ઈન્ડીકેટર, જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાવી વરસાદી સ્થિતિ અંગે નિગરાની રાખી સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર શ્રી મયુર દવેએ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે થયેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.