હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૯-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
કમોસમી વરસાદમાં પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો અને એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અને સુરક્ષિત રાખવી.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.