સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે રતનપર રાજકોટ બાયપાસ રોડ પર દેવ પાર્ટી પ્લોટ પાસે ચાની લારીવાળા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૧ મે, ૨૦૨૫ના રોજ સવારે ૪:૪૫ વાગ્યે ઉમેશ ઉલવા (ઉં.વ. ૩૩) પોતાની ચાની લારી પર જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક આરોપીઓએ તેમને રોકીને હુમલો કર્યો હતો.
આરોપીઓ લોખંડના પાઈપ, છરી અને પથ્થરો જેવા હથિયારો સાથે આવ્યા હતા. તેઓએ ફરિયાદીને પકડી રાખી તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. એક આરોપીએ લોખંડનો પાઈપ ઉમેશભાઈના ખભા પર મૂકીને તેમને ધમકી પણ આપી હતી.
આ ઘટના બાદ ભોગ બનનાર ઉમેશભાઈએ ગત ૨ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૧૦ વાગ્યે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પટેલની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સર્વેલન્સ, ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ ભેગા મળીને લોખંડના પાઈપ, છરી, ચામડાના પટ્ટા અને પથ્થરો જેવા હથિયારો સાથે રોડ પર આવતા-જતા વાહનોને રોકીને બળજબરીથી પૈસા પડાવતા હતા અને લૂંટ તથા ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી વાહનોને ઉભા રાખીને તોડફોડ કરવાની પણ હતી.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.પટેલ, અશ્વીનકુમાર વ્રજલાલ, ઉપેન્દ્રસિંહ બળદેવસિંહ, કરણસિંહ રાયસંગભાઇ, દિલીપભાઇ રસીકભાઇ, અજયસિંહ છગનભા, દિપકકુમાર ચુનીલાલ, કેસરીસિંહ અજીતસિંહ, મહાવીરસિંહ ગંભીરસિંહ, મનસુખભાઇ પોપટભાઇ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ સુરેન્દ્રનગરના કર્મચારીઓ જોડાયા હતા.
પોલીસે આ બનાવમાં પકડાયેલા આરોપીઓની વિગતો પણ જાહેર કરી છે, જે નીચે મુજબ છે:
(૧) આનંદ ઉર્ફે આંદલો સ/ઓ રમેશભાઈ ચમનભાઈ મકવાણા, ઉં.વ. ૨૦ વર્ષ ૧૧ માસ, રહે. જોરાવરનગર (૨) વરૂણ ઉર્ફે અંસુ વિજયભાઈ ચૌહાણ, ઉં.વ. ૨૦ વર્ષ ૦૮ માસ, રહે. વઢવાણ (૩) કૌશીકભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી, ઉં.વ. ૧૯ વર્ષ ૦૬ માસ, રહે. મુળી (૪) યશ સ/ઓ હિંમતભાઈ ઉર્ફે પપ્પુભાઈ સોલંકી, ઉં.વ. ૨૦ વર્ષ ૦૭ માસ, રહે. મુળી (૫) જીજ્ઞેશ ઉર્ફે “જેકી" સન/ઓફ હસમુખભાઈ પુંજાભાઈ પારઘી, ઉં.વ. ૧૯ વર્ષ ૦૫ માસ, રહે. વઢવાણ, પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા લોખંડનો પાઇપ, છરી, પટ્ટો અને પથ્થર પણ કબ્જે કર્યા છે. હાલમાં પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.