સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા સાયલામાં દારૂની રેડ કરવામાં આવી હતી, જેના પગલે સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નવ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ ગ્રામ્ય સહિતની જુદી જુદી જગ્યાએ તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલાં, SMCની ટીમે સાયલાના ઢાંકણીયા નજીક મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું. આ ઘટના બાદ પોલીસ વિભાગે કડક પગલાં લીધા છે. બદલી પામેલા કર્મચારીઓમાં બીટ જમાદાર સહિત ડી સ્ટાફમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સાયલા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં SMC દ્વારા કેમિકલ અને ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાઓને ગંભીરતાથી લઈને રાજકોટ રેન્જ આઈજીના આદેશ અનુસાર સુરેન્દ્રનગરના એસપીએ આ સામૂહિક બદલીનો મોટો નિર્ણય લીધો છે. પોલીસ બેડામાં આ બદલીના પગલે ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.