સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ-જુગાર જેવી બદીને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS) દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગરના પી.આઈ. જે.જે. જાડેજા અને પી.એસ.આઈ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
આ સઘન પેટ્રોલીંગ દરમિયાન LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, નાની મોલડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા રાજપરા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ભૂપતભાઈ નાગજીભાઈ સાબળીયા (રહે. કાબરણ, તા. ચોટીલા), રાણાભાઈ સામતભાઈ માલકિયા (રહે. ખેરાણા, તા. ચોટીલા),ધીરુભાઈ વેલાભાઈ સાબળીયા (રહે. રાજપરા, તા. ચોટીલા) જયારે પોલીસે સ્થળ પરથી રોકડા 33,200, 4 મોબાઈલ ફોન (કિંમત 15,500/-), સહિત કુલ 48,700/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓની પૂછપરછમાં કેટલાક અન્ય મોબાઈલ ફોનના માલિકો પણ જુગારમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પો.કોન્સ. કુલદીપભાઈ બોરીયા, પો.કોન્સ. વજાભાઈ સાનિયા, પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ.કોન્સ. વિજયસિંહ પરમાર અને પો.હેડ કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.