પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાના રહેશે:જિલ્લામાં ૧૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૫૩૪ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૦/૦૪/૨૦૨૫, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પ્રિલિમનરી પરીક્ષા સવારે ૧૧.૦૦ કલાક થી ૦૨.૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષ મશીનની દુકાનો સંચાલકો દ્વારા ફરજિયાત બંધ રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે ગુજરાત જાહેર સેવા આયોગની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.
પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ૪(ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે સવારે ૧૦:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે અથવા ભંગ કરાવવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જી.પી.એસ.સી. પરીક્ષા માટે શ્રી નીલકંઠ વિદ્યાલય રતનપર યુનિટ - ૧, શ્રી નીલકંઠ વિદ્યાલય રતનપર યુનિટ - ૨, શ્રી દર્શન વિદ્યાલય, શ્રી શિખર વિદ્યાલય, પી. જી. એન. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કુલ, શ્રીમતી સવિતાબેન વાડીલાલ વકીલ માધ્યમિક શાળા, આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કુલ, ઈન્ડિયન પબ્લિક સ્કૂલ, તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સની સ્કાય ઇંગ્લિશ હાઈસ્કુલ સહિત ૧૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ પેટા કેન્દ્રો ખાતે ૨૫૩૪ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.