ચોટીલા નાયબ કલેકટર એચ.ટી મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ખંપાળિયા ગામે આકસ્મિક દરોડા પાડ્યા હતા. અગાઉ પાડેલા દરોડામાં બાકી રહી ગયેલ ખાનગી માલિકીની જમીનમાં કેટલાક ખાતેદારો ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરી રહ્યા હતા.
આ દરોડા દરમિયાન ખોડા લીંબા રબારીના બે (2) કૂવા, આલા લીંબા રબારીના બે (2) કૂવા, પ્રભુ ઘૂઘા કોળીના બે (2) કૂવા, જેમાં હરજી રંગપરાનો એક કૂવો, રબારી ખીમા મેરુના બે (2) કૂવા અને ગોવિંદ લખાના બે (2) કૂવા મળીને કુલ 11 કૂવામાં ગેરકાયદેસર ખનન થતું રંગેહાથ ઝડપાયું હતું.
કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 200 મેટ્રિક ટન કોલસો, 7 ચરખી, 14 બકેટ, એક ટ્રેક્ટર અને એક કમ્પ્રેસર સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચોટીલા નાયબ કલેકટરની ટીમે જમીન મહેસુલ સહિતા હેઠળ જમીન ખાલસા કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ખનન અને તેના વેચાણની વસૂલાત અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે.