ઉમરડા ગામ સહિતનાં આસપાસના ખેડૂતો સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે:જો ડેમને સૌની યોજનાથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇનો સારો લાભ મળી શકે મંત્રીએ પણ શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુળી તાલુકામાં ઉમરડા ગામ ખાતે આવેલા સબૂરી ડેમની મુલાકાત લીધી હતી.આ તકે મંત્રીશએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોનાં સબૂરી ડેમની ઊંચાઈ અને ઊંડાઈ વધારવા તેમજ સૌની યોજનાથી ભરવા સહિતનાં પ્રશ્નો રસપૂર્વક સાંભળ્યા હતા. ઉમરડા ગામ સહિતનાં આસપાસના ખેડૂતો સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે. જો ડેમને સૌની યોજનાથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇનો સારો લાભ મળી શકે મંત્રીએ પણ શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીનું સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ ડેમ સાઈટની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીની આ મુલાકાતમાં ચોટીલા પ્રાંત અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, મૂળી મામલતદાર શ્રી આર. એમ. પટેલ, સહિત સ્થાનિક આગેવાનોએ તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.