પાટડી હોસ્પિટલ વાયરલ થયેલા વીડિયો મામલે : પોલીસ દ્વારા બળપ્રયોગ કરનાર PI અને ASI સામે કાર્યવાહીના આદેશ

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પોલીસ દ્વારા એક ઈસમને માર મારવાના વાયરલ થયેલા વીડિયો મામલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ ફરજ પરના પોલીસ ઈન્સ્પેક્ટર બી.સી. છત્રાલીયા અને એ.એસ.આઈ. ભારતસિંહ સામે બળપ્રયોગ કરવા બદલ કસૂરવાર ઠેરવી શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ અને કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ પાટડી CHC ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એક ઈસમને લાવવામાં આવ્યા હતા, જેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતકના સગા-ભત્રીજા રમેશભાઈ ભીમાભાઈ જાદવ (રહે. બુબવાણા, તા. પાટડી) અને સચિનભાઈ માધવભાઈ ચૌહાણ તથા ચિરાગભાઈ મનુભાઈ ચૌહાણ (બંને રહે. દેગામ) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સાથે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી, ગેરવર્તન આચરી હોસ્પિટલમાં ખરાબ વાતાવરણ ઉભું કર્યું હતું.
આ બનાવની જાણ પાટડી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા, એ.એસ.આઈ. ભારતસિંહ સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણેય ઈસમોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓએ ગેરવર્તન ચાલુ રાખતા પોલીસ ઈન્સ્પેક્ટર બી.સી. છત્રાલીયાને જાણ કરવામાં આવી. PI છત્રાલીયા સ્થળ પર આવીને તેમને સમજાવવાનો પ્રયાસ કરતા, આ ઈસમો સમજવા તૈયાર ન હતા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને PI છત્રાલીયાનું બાવડું પકડીને ધક્કો માર્યો હતો. આથી, ફરજ પરના એ.એસ.આઈ. ભારતસિંહ અને પો.ઈન્સ. છત્રાલીયા દ્વારા બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ત્રણેય ઈસમો પૈકી રમેશભાઈ ભીમાભાઈ જાદવ દારૂના નશામાં હોવાથી તેની વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટ કલમ ૮૫, ૬૬(૧)(બ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે સચિનભાઈ માધવભાઈ ચૌહાણ અને ચિરાગભાઈ મનુભાઈ ચૌહાણ વિરુદ્ધ ચેપ્ટર કેસ મૂકી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવમાં આરોપીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવા છતાં, પોલીસે સંયમ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર હતી. પરંતુ ફરજ પરના PI બી.સી. છત્રાલીયા અને એ.એસ.આઈ. ભારતસિંહ દ્વારા ઉશ્કેરાટમાં આવી જઈને બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં કસૂર જણાઈ આવ્યું છે. આથી, PI બી.સી. છત્રાલીયા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અર્થે પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટને ભલામણ કરવામાં આવી છે, જ્યારે એ.એસ.આઈ. ભારતસિંહ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ પ્રોસીડિંગ શરૂ કરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top