ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ટ્રક ડ્રાઈવર પર હુમલો: ટ્રક ચાલકોનો છ કલાક ચક્કાજામ કર્યો: DySP સહિતનો પોલીસ કાફલો હાઈવે ક્લિયર કરાયો

0
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે તા.૧૧ મે-૨૦૨૫ બુધવારના રોજ વહેલી સવારે એક ટ્રક-ડ્રાઇવર અને ક્લીનર પર કેટલાક અજાણ્યા શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખસો ધોકા-લાકડીઓ લઇને ડ્રાઇવરને ઢોરમાર મારતા સ્પષ્ટપણે જોવા મળે છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક ટ્રક-ડ્રાઇવર કાપડ ભરીને મોરબી તરફ જઇ રહ્યો હતો ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડે આગળ કેટલાક શખસોએ પોલીસની ઓળખ આપીને તેની પાસે રૂપિયાની માગણી કરી હતી. ટ્રકચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતાં બંને પક્ષો વચ્ચે બબાલ શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસની ઓળખ આપનારા શખસોએ ટ્રકના કાચ ફોડતાં ડ્રાઇવરે પોતાના ફોનમાં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આનાથી મામલો વધુ બિચક્યો હતો અને શખસોએ ડ્રાઇવરનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા આ શખસોએ ડ્રાઇવર અને ક્લીનરને ઢોરમાર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ અન્ય ટ્રક ચાલકોને થતા રોષે ભરાયેલા ડ્રાઇવરોએ સોલડી ટોલ પ્લાઝા પર હાઇવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકી દઈ છ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા DySP જે. ડી. પુરોહિત સહિતનો વિશાળ પોલીસકાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. DySP પુરોહિતે ટોલ પ્લાઝા પર ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કર્યો હતો અને પાંચથી છ કલાક સુધી ડ્રાઇવરો સાથે સમજાવટની પ્રક્રિયા હાથ ધરી કચ્છથી અમદાવાદ તરફનો હાઈવે ક્લિયર કરાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ અમદાવાદ-કચ્છ તરફનો હાઈવે પણ ક્લિયર કરાવવામાં આવ્યો હતો, જેના કારણે ધીમે ધીમે ટ્રાફિક હળવો થયો હતો.
DySP જે. ડી. પુરોહિતે જણાવ્યું હતું કે, એક ટ્રકચાલકને કોઈ ઈસમ સાથે બોલાચાલી થઈ હતી અને એ બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો, જેમાં ત્રણ-ચાર ઈસમોએ ટ્રકચાલકને માર માર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. પોલીસે ટોલ ટેક્સ પરના તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસકર્મીઓ હાજર હતા કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top