થાનગઢમાં ગેરકાયદેસર LPG સિલિન્ડરનું ગોડાઉન સીલ, રૂ.6.63 લાખનો મુદ્દામાલ જપ્ત

0
થાનગઢ, તા. ૧૦ જૂન, ૨૦૨૫: આજે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢના વગડિયા ચોકડી પાસે આવેલા એક તદ્દન ગેરકાયદેસર LPG ગેસ સિલિન્ડરના સંગ્રહ અને વિતરણ કરતા ગોડાઉન પર દરોડો પાડી તેને સીલ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન રૂ.6,63,822 (છ લાખ ત્રેસઠ હજાર આઠસો બાવીસ રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ભરેલા અને ખાલી LPG સિલિન્ડરો તેમજ એક પિકઅપ વાહનનો સમાવેશ થાય છે.
નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસમાં અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ ગોડાઉન ૨૦૧૯ થી ગેરકાયદેસર રીતે LPG નો સંગ્રહ અને વિતરણ કરી રહ્યું હતું. આ માટે Petroleum and Explosives Safety Organization (PESO) ની કોઈ મંજૂરી મેળવવામાં આવી ન હતી.
મુખ્ય ગેરરીતિઓ.....
  •  મંજૂરીનો અભાવ: ગોડાઉન પાસે PESO ની સ્ટોરેજ અને વિતરણ અંગેની કોઈ માન્યતા કે લાઇસન્સ નહોતું.
  •  હિસાબી રેકોર્ડનો અભાવ: સ્ટોક રજીસ્ટર, ગેસ કનેક્શન ધારકોની યાદી, અને વિતરણના કોઈ આધારભૂત પુરાવા મળી આવ્યા નહોતા.
  •  સુરક્ષાનો ભંગ: ગોડાઉનમાં વીજળીના તાર ખેંચી પંખો ચલાવવામાં આવતો હતો, જે Explosive Act અને Rules નો સીધો ભંગ છે અને પોતાના તેમજ આસપાસના લોકોના જીવનને જોખમમાં મૂકવા સમાન છે.
  •  ગ્રાહકને અન્યાય: ગ્રાહકોને ઘરે ડિલિવરી ન થાય તો મળવાપાત્ર રૂ.34ના રીબેટનો લાભ આપવામાં આવતો નહોતો.
  •  નિયમોનો ભંગ: ગેસ સિલિન્ડર રૂલ્સ ૨૦૧૬ ના નિયમો ૩ થી ૨૮ નો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો હતો.
  • અસ્વચ્છતા: ગોડાઉનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

આ કાર્યવાહીમાં ૩૬ ભરેલા LPG સિલિન્ડર, ૭૮ ખાલી LPG સિલિન્ડર, અને GJ 13 AW 4671 નંબરનું એક પિકઅપ વાહન સીઝ કરવામાં આવ્યું હતું. સીઝ કરાયેલ પિકઅપ વાહન થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે.
આ ગેરકાયદેસર ગોડાઉન ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા, રહે. થાનગઢ, દ્વારા ચલાવવામાં આવતું હતું. તેમની સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વ પૂર્ણ છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top