રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. રૂ.32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ આ સેન્ટર 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીની તકો પૂરી પાડશે. આ ડેવલપમેન્ટ સેન્ટર ખાસ કરીને ફિન્ટેક ફ્રેમવર્ક હેઠળ અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન્સ પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દાયકામાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતને સોફ્ટપાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા માટે સજ્જ છે. આ નવું સેન્ટર ગુજરાતના ટેકનોલોજી ક્ષેત્રે વિકાસને વધુ વેગ આપશે અને રાજ્યને ડિજિટલ ક્ષેત્રે અગ્રણી બનાવવામાં મદદરૂપ થશે.