સુરેન્દ્રનગર, 09 જૂન, 2025: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન હેઠળના રાણીપાટ ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂના ચાલુ કટીંગ ઉપર દરોડો પાડી, રૂ. 48.93 લાખનો જથ્થો ઝડપી પાડી બે ઈસમોને પકડી પાડ્યા છે. મુળી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) તેમજ સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS) નાઓએ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સૂચનાના અમલ રૂપે મુળી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના કટીંગ ઉપર રેઈડ કરી હતી.
પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૫૭ જેની કિંમત રૂા. ૧૩,૧૩,૧૬૦થાય છે, તે ઉપરાંત અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂા. ૪૮,૯૩,૧૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં બે ઈસમોને પણ પકડી પાડવામાં આવ્યા છે. મુળી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.