પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફ, લીંબડી શહેર અને તાલુકાના નાગરિકો, પોલીસ જવાનો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે દેશના જવાનો અને નાગરિકો માટે રક્તની જરૂરિયાતને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ પ્રેરક ઉપસ્થિતિ દર્શાવી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.લીંબડીના પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ આ તકે ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ એક મહાન કાર્ય છે અને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રક્તદાન શિબિરમાં લીંબડી પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફ, લીંબડી શહેર અને તાલુકાના નાગરિકો, પોલીસ જવાનો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શિબિરમાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને 'ઓપરેશન બ્લડ સિંદુર સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભગીરથસિંહ રાણા સહિતના અગ્રણીઓ, હોસ્પિટલનો સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનારાઓને શુભકામનાઓ પાઠવી હતી. આ શિબિર લીંબડી તાલુકામાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.