ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત “મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા -૨૦૨૪-૨૫નું આયોજન તા. ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ તા.૧૭ ફેબ્રુઆરીનાં રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાક થી યોજાશે.
આ સમારંભના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડો. આર. એમ. પટેલ, મુખ્ય અતિથિ તરીકે નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડો.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ જાલંધરા તેમજ અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ. એમ. ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડો. ભદ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલે સ્પર્ધાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત પ્રદેશકક્ષાની આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૬થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ એમ ત્રણ વય જૂથમાં સમાવિષ્ટ થતા આશરે ૩૫૦૦ જેટલા સ્પર્ધકો જોડાશે. તા. ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ તેમજ ઓમકાર સ્કૂલ, સુરેન્દ્રનગર ખાતે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, પંચમહાલ, મહીસાગર, મોરબી, બોટાદ, દાહોદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર એમ ૧૦ જિલ્લાઓના સ્પર્ધકો જુદીજુદી ૩૦ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લેશે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, સ્પર્ધાના પ્રથમ દિવસે ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, મોહિનીઅટ્ટમ, ઓડીસી, કુચીપુડી, વાંસળી, વાયોલીન, સિતાર, ગિટાર, એક પાત્રીય અભિનય, દુહા-છંદ- ચોપાઈ, લોક વાર્તાઓની કૃતિઓ રજૂ થશે. સ્પર્ધાના બીજા દિવસે રાસ, લોકનૃત્ય, સમૂહગીત, વક્તૃત્વ, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ સંગીત, કાવ્યલેખન, ગઝલ શાયરી, નિબંધ સહિતની કૃતિઓ રજૂ થશે. જ્યારે સ્પર્ધાના છેલ્લા દિવસે લોકગીત/ભજન, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ, ઓર્ગન અને સ્કૂલબેન્ડની કૃતિઓ રજૂ થશે.