ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. નાયબ કલેક્ટર, ચોટીલા, એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તા. 11 જૂન, 2025 ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં સડલા ગામની પશ્ચિમ દિશામાં આશરે 1 કિમી દૂર આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદેસર સફેદ અને સાદી માટીના સ્ટોકનો પર્દાફાશ કર્યો હતો.
તંત્રને મળેલી બાતમીના આધારે, સફેદ માટીનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને એક લોડર દ્વારા ડમ્પર ભરવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદેસર રીતે સંગ્રહિત સફેદ માટી તેમજ તેના વહનમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ ₹51,00,000 (અંકે રૂપિયા એકાવન લાખ પૂરા) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં એક લોડર, એક ડમ્પર (નંબર: GJ 13 AX 7444) અને એક બાઈકનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા વાહનો અને મુદ્દામાલને મામલતદાર કચેરી, મુળી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન, વાહન ચાલકોના નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં સામે આવ્યું કે સ્થળ પર મોટા પાયે સફેદ માટીનો ગેરકાયદેસર સંગ્રહ ઘણા સમયથી હીરાભાઈ શામળભાઇ રોજીયા, રહે. કળમાદ દ્વારા કરવામાં આવતો હતો. આ માહિતીના આધારે, તંત્ર દ્વારા હીરાભાઈ શામળભાઇ રોજીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલાની આ કાર્યવાહી ગેરકાયદેસર ખનન અને સંગ્રહ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો માટે લાલબત્તી સમાન છે.